સંપાદકીય.........?
ધ્યાનને જાણો જ્ઞાનને માણો...
અમારી આશ્રમશાળાનો આ ચતુર્થ વાર્ષિક અહેવાલ અંક “જ્ઞાનપથ” આપના કર કમળમાં મૂકતાં હું હર્ષ અને
આનંદની લાગણી અનુભવું છું. જ્ઞાન અને અજ્ઞાન બંને આ જગતમાં છે4 જેમાં અજ્ઞાન મોટું છે પણ જ્ઞાનપથે ચાલીને આપણે અજ્ઞાનરૂપી અંધારાને ચીરીને
કંઇકને કંઇ નવું - નવું ઉમેરતા જઇ શીખતા જઇએ છીએ. ને તેથીજ જ્ઞાનના કદનો વિસ્તાર
પણ વધતો જાય છે. જ્ઞાનપ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ ઉપાય “ધ્યાન” છે. ધ્યાન જો શિક્ષણનું અભિન્ન અંગ બની જાય તો વિદ્યાર્થી
જીવનમાં ઉમંગ આવી જાય ! ધ્યાન વિનાનું શિક્ષણ પાયા વિનાની ઇમારત જેવું છે.
અંગ્રેજી શબ્દકોષમાં Attention, Awareness, Concentration
અને Meditation શબ્દોના અર્થો વિશિષ્ટ છે. આજે ‘Meditation’
શબ્દ સાંપ્રત-આધુનિક યુગમાં અત્યંત પ્રચલિત થવા પામ્યો છે.
રામ, કૃષ્ણ, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, વિવેકાનંદ ‘ધ્યાન’ દ્વારા જ મહાન કર્મ કરીને દેવત્વ પ્રાપ્ત કરી અમર થઇ ગયા. ઓશો કહે છે – “ માનવતા માટે ધ્યાન અનિવાર્ય છે. બીજા બધા
વિષયો ભલે ભણાવાય પણ ધ્યાન જેટલો કોઇ વિષય મહત્વનો નથી, પરંતુ કોઇ પણ યુનિવર્સિટીમાં એને ભણાવવામાં
નથી આવતો. જો યુનિવર્સિટીમાં બધા જ વિદ્યાર્થીઓ આ ધ્યાનપૂર્ણ મન સાથે બહાર પડે તો
સમાજની આખી વ્યવસ્થા મજબૂત બને. એના તાણાવાણાને પરિવર્તન કરી શકે છે. “
વર્તમાનમાં અનિયમિત જીવન, ફાસ્ટફુડ, જંકફુડ, અને ચોકલેટ્સના, કોલ્ડ્રીંક્સના, ખાનપાન અને ચેનલોના આક્રમણથી આપણાં બાળકોની તંદુરસ્તી જોખમાઇ છે ! શું આવાં
નાદુરસ્ત-માયકાંગલા બાળકોથી તંદુરસ્ત ભારતનું – સમૃદ્ધ ભારતનું – શ્રેષ્ઠ ભારતનું
નિર્માણ કરી શકીશું ? આજે આપણા વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને આત્મવિશ્વાસને કેળવવાની એટલી જ જરૂર
છે. આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ ચંચળ છે, તેમનામાં સહનશક્તિનો અભાવ છે, તેઓ નાની નાની બાબતોમાં ઉશ્કેરાઇ જાય છે, તેમનામાં ચીડિયાપણું સહજ જોવા મળે છે. તેઓ ક્યારેક આક્રમક બની જાય છે.
ક્યારેક માતા-પિતા કે ગુરુજી પણ તેમના સ્વભાવને પારખવામાં થાપ ખાઇ જાય છે ! બાળકો
સફળતા કે નિષ્ફળતાને પચાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રશ્ન સહજ થાય કે આપણે
બાળાકોમાં શું કેળવવા માગીએ છીએ ?... આપણે શાળાઓમાં કેવું શિક્ષણ પીરસીએ છીએ ?... કેળવણી એટલે જ ખિલવણી અને ખિલવણી પ્રથમ બાળકોની શારીરિક અને માનસિક
તંદુરસ્તીની થવી જોઇએ.
આપણાં બાળકો સ્વચ્છતા જાળવે, સ્વયં તંદુરસ્ત રહે, પર્યાવરણને તંદુરસ્ત રાખે, કુદરતી સ્રોત- સાધનસંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતાં શીખે, રાષ્ટ્રીય સંપત્તિનું જતન કરતાં શીખે, વડીલોને આદર આપતાં શીખે, મા, માતૃભૂમિ અને માતૃભાષાનું મૂલ્ય સમજે અને શ્રેષ્ઠ માનવ બની ‘જનસેવા એજ પ્રભુસેવાને‘ જીવનમંત્ર બનાવી પોતે ભવિષ્યમાં જે ક્ષેત્રમાં
જાય તે ક્ષેત્રમાં ઉત્તમ માનવીય વ્યવહાર દ્વારા માનવતાની મહેંક પ્રસરાવે ત્યારે જ
આપણે ગર્વપૂર્વક કહી શકીએ – ‘ શાળા અમારી તીર્થભૂમિ જ્યાં જ્ઞાનગંગા વહે.’
ગાંધીજીએ પણ સુંદર વાત કહી છે – ‘ બાળકોમાં આધ્યાત્મિક કેળવણી વિના આપણી કેળવણી
અધૂરી છે.’ આપણાં બાળકો આસ્તિક બને – આધ્યાત્મિક બને અને સાચા અર્થમાં ઐશ્વર્યને ધારણ
કરી આ સૃષ્ટિમાં દિવ્યતાનો સંચાર કરે તે જ કેળવણીનું કર્તવ્ય અને ઉત્તરદાયિત્વ છે. ધ્યાન દ્વારા જ આપણે
આપણામાં રહેલી આસુરીવૃત્તિઓનો ધીમે ધીમે નાશ કરીએ છીએ – નેસ્તનાબુદ કરી શકીએ છીએ.
માનસિક સ્વસ્થતા ધારણ કરી શકીએ છીએ. એકાગ્રતા અને આત્મવિશ્વાસને કેળવી શકીએ છીએ.
યાદશક્તિ વધારી શકીએ છીએ. જીવનમાં આવી પડતા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરી શકીએ
છીએ. હતાશા અને નિરાશાથી આપણે બચી શકીએ છીએ. નિશ્ચિત અને નિશ્ચિંત જીવન જીવી શકીએ
છીએ. હાર અને આહારને બરાબર પચાવી શકીએ છીએ. જીવનને રસાળ, પ્રેમાળ અને વિશાળ બનાવી શકીએ છીએ. આપણા
વર્તનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. આપણા ભાવ, સ્વભાવ અને પ્રભાવમાં બદલાવ લાવી શકીએ છીએ.
આમ, ધ્યાન એ આનંદનો રાજમાર્ગ છે, કેળવણીની નિસરણી છે. વિશ્વની મહાન વ્યક્તિઓ ‘ ધ્યાન ‘ દ્વારા જ સિદ્ધિઓ હાંસલ કરી શકી છે. ‘ ધ્યાન ‘ એ તો દિવ્યતાનો સંચાર કરતું અમોઘ શસ્ત્ર છે. અસ્તુ.....જય ગરવી
ગુજરાત.
F આચાર્યા


ટિપ્પણીઓ નથી :
ટિપ્પણી પોસ્ટ કરો